ગુજરાતમાં બનેલા એક અત્યંત આંચકાજનક ઘટનાક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભાજપ હાઈકમાન્ડને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના ફેસબૂક પેજ પર પણ આ રાજીનામાનો પત્ર
મુક્યો છે. મળતી માહિતી પ્રમાણે આનંદીબેન પટેલે ભાજપાના પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીને આનંદીબહેને રાજીનામું મોકલી આપ્યું.
આનંદીબેને પત્રમાં શું લખ્યું છે તે શબ્દશ: અહીં પ્રસ્તુત છે
‘છેલ્લાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં મને અનેકવિધ જવાબદારીઓ સંભાળવાની તક મળી છે. સંગઠન તેમજ સરકારમાં પક્ષે મને ખુબ જ અગત્યની જવાબદારીઓ સોંપી છે. જેને હું મારૂ સદભાગ્ય માનુ છું.
મહીલા મોરચાની જવાબદારીથી લઈ મુખ્યમંત્રી પદ સુધી પક્ષના નેતૃત્વએ મારી પર વિશ્વાસ મુક્યો તે માટે હું ઋણી છું. કુશળ સંગઠક, દીર્ધદ્રષ્ટા અને કર્મઠ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે પહેલા સંગઠ્ઠનમાં અને પછી સરકારમાં કામ કરવાની મને તક મળી જેના કારણે સાતત્યપુર્વક મારૂ ઘડતર થતું રહ્યું. છેલ્લા 18 વર્ષથી ગુજરાત સરકારનાં ખુબ જ અગત્યનાં વિભાગોની કામગીરી કરતાં કરતાં અનેક રચનાત્મક સુધારાઓ કરી નવી પ્રજાભિમુખ યોજનાઓના સરળ અમલીકરણ દ્વારા પારદર્શિતા લાવવા પ્રામાણિકતા સાથે પરીણામલક્ષી કાર્ય કરવા સતત પ્રયત્નશીલ રહી છું. મે, 2014માં ગુજરાત રાજ્યના પ્રથમ મહીલા મુખ્યમંત્રી તરીકેની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈ તથા વરીષ્ઠ નેતૃત્વએ મને સોંપી તેને હું સમગ્ર ગુજરાતની મહીલાઓનું ગૌરવ ગણું છું. શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 12 વર્ષથી વધુ સમય સુધી રહ્યાં અને તેમની જગ્યાએ મારી પસંદગી થઈ તે સ્વાભાવિક રીતે જ આકાશ ના તારા ગણવા જેવું કઠીન કાર્ય હતું પરંતુ, મને એ વાતનો ગર્વ છે કે તેઓએ ગુજરાતના વિકાસની કંડારેલી કેડી એ જ ઝડપથી આગળ વધારવામાં હું ક્યાંય પાછી પડી નથી.
ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સિધ્ધાંતો અને શિસ્તબધ્ધતાથી પ્રેરાઈ હું પક્ષમાં જોડાઈ હતી અને આજ સુધી તેનું પાલન કરતી રહી છું. છેલ્લા થોડાક સમયથી પક્ષમાંથી પંચોતેર વર્ષની ઉંમર પછી વરિષ્ઠ કાર્યકર્તાઓએ સ્વૈચ્છિક જવાબદારીમાંથી મુક્ત થવાનું સ્વીકારી આગવી પરંપરા ઉભી કરી છે. જે સૌ માટે ઉદાહરણીય અને અનુકરણીય છે. જેના કારણે આવનારી પેઢીને કાર્ય કરવાની તક મળે છે. મારા પણ નવેમ્બરમાં પંચોતેર વર્ષ પુરા થનાર છે. પરંતુ 2017ના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી આવવાની હોઈ તેમજ દર બે વર્ષે યોજાતા રાજ્ય માટે મહત્વના વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પણ જાન્યુઆરી 2017માં યોજાનાર હોઈ નવનિયુક્ત થનાર મુખ્યમંત્રીને પુરતો સમય મળી રહે તે માટે મેં બે માસ અગાઉ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ મને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરેલ. હું આજે ફરીથી આ પત્ર દ્વારા પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મને મુખ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા નમ્ર વિનંતી કરૂં છું.
0 ટિપ્પણીઓ