હાલ સુધી રિલાયન્સ Jioના ગ્રાહકોને દિવસના 4 જીબી સુધી ફ્રી મોબાઈલ ડેટા મળતો હતો. પરંતુ કંપનીએ તાજેતરમાં જ આ લિમિટ 4 જીબીથી ઘટાડીને 1 જીબી કરી નાંખી હોવાને કારણે કેટલાંક ગ્રાહકો હતાશ થઈ ગયા છે. જો કે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતોનું માનીએ તો કંપનીના આ નિર્ણયને કારણે ગ્રાહકોને સરવાળે ફાયદો જ છે. નેટવર્ક ઉપર લોડ ઘટતા ગ્રાહકોને વધુ સારો 4G એક્સપિરિયન્સ આપી શકાય તે આશયથી કંપનીએ આ નિર્ણય લીધો છે. વળી, આ નિર્ણયને કારણે રિલાયન્સને 31મી માર્ચે ઓફર પતે તે પછી પણ ગ્રાહકો જાળવી રાખવામાં મદદ મળશે.
જેપી મોર્ગનની ગણતરી અનુસાર આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં Jioના ગ્રાહકોનો આંકડો 10 કરોડને વટાવી જશે. પરંતુ માર્ચ મહિનામાં સ્કીમ પતે પછી Jioના 10 કરોડમાંથી લગભગ 5.5 કરોડ ગ્રાહકો ખરી પડે તેવી ગણતરી છે. આથી માર્ચ પછી Jio પાસે લગભગ 4.5 કરોડ જેટલા બિલ પે કરનારા ગ્રાહકો રહેશે. હાલમાં Jio વપરાશકર્તાનો આંકડો 52 લાખ જેટલો છે. આથી જ કંપની ગ્રાહકોને વધુ સારી સ્પીડ આપી શકે અને પોતાની સર્વિસના જોરે માર્ચ મહિના પછી પણ ગ્રાહકો જાળવી શકે તે માટે કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધપાત્ર છે કે નેટવર્કની ધીમી સ્પીડને કારણે જિઓને હાલમાં ખાસ્સી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. અમુક ગ્રાહકો દ્વારા ફ્રી ડેટાનો બેફામ ઉપયોગ કરવામાં આવતો હોવાને કારણે મોટાભાગના ગ્રાહકોએ યુઝર એક્સ્પિરિયન્સ ખરાબ થતો હોવાની ફરિયાદ કરી હતી. પરંતુ હવે ડેટા લિમિટ ઓછી થવાને કારણે Jioનો યુઝર એક્સપિરિયન્સ સુધરશે.
0 ટિપ્પણીઓ